બ્લૉગ લખવાની કળા
ગુજરાતીમાં લખવું, અને એ પણ બ્લૉગ લખવો (એટલે કે ઇન્ટરનેટ પર લખવું) એમાં સૌ પ્રથમ
કળા કરતા શ્રધ્ધાનો ફાળો વિશેષ છે એવું મારું માનવું છે!
જેમ કે ગાવાવાળાને સાંભળવાવાળા
ન મળે છતાંય ગાયે જાય એના જેવું! હું અને અશ્વિન મહેતા ઉર્ફે ‘નાની’ જેનો મેં આગલી પોસ્ટમાં
ગાયક તરીકેનો ઉલ્લેખ કર્યો છે, વખતોવખત કલાકો સુધી અમારી મસ્તીમાં ગાયનો ગાતા રહેતા એમ.
એક વાર અમે બે મુંબઈની મહાકાલી કેવ્ઝમાં બેસીને લલકારવા માંડ્યા. ગુફાઓમાં ગુંજતો અવાજ
નાનીને બહુ ગમતો. અને પછી જોયું કે ગુફાની બહાર ધીરેધીરે ટહેલવા આવેલા લોકોનું ટોળુ જામી ગયેલું!
અમને ખબર નથી કે એ લોકોને અમારું ગાવું ગમ્યું કે પછી અમને પાગલ ગણ્યા હશે!
કંઈક એ રીતે જ બ્લૉગ લખવો એ પોતાની મનપસંદ કાર્યપ્રર્વુત્તિ હોય તો જ તમે આ કામમાં ટકી શકશો
તેમ મારું માનવું છે. શ્રધ્ધા એટલા માટે કહ્યું કે તમારો આ લેખ કોઇક તો વાંચશે, અને કોઇકને તો પસંદ
પડશે તે પૂરતું! બાકી ગામને મોઢે ગળણી ક્યાં બાંધી શકાય છે?
કવિ જલન માતરીનો એક લાજવાબ શેર યાદ આવે છે કેઃ
શ્રધ્ધાનો હો વિષય તો પુરાવાની શી જરુર?
કુર્આનમાં તો ક્યાંય પયમ્બરની સહી નથી!
પહેલા તો તમારે કમ્પ્યુટરને ગુજરાતી લખવા-વાંચવા માટે તૈયાર કરવુ પડે. એમાં પણ ફક્ત એકાદ
વસ્તુ કે પ્રોગ્રામ ઈન્સ્ટોલ કરવાની વાત હોય તો સમજ્યા, મારા ભઈ! કમનસીબે નરેન્દ્રભાઈએ…
(ના સમજ્યા? શું યાર, આપણી ગરવી ગુજરાતના ગૌરવ સમા મુખ્ય મંત્રીસ્તો!) હજુ સુધી કોઈ
પાસે comprehensive installation in one package કહેવાય એવો એક પ્રોગ્રામ તૈયાર
નથી કરાવ્યો એટલે ઘણાં તો ત્યાં જ હાર માની લે છે. અમુક લોકો તેથી આગળ વધી શક્યા છે, પણ
લખતી વેળા તેઓ બ્લૉગનો વિષય વિગેરેની અસમંજસમાં પડી ગયા લાગે છે. હું આ સાઇટ ઉપર
જેટલા અધકચરા પ્રયાસો જોઉં છું તે પરથી કહું છું. વળી અચાનક અહીંની મફત બ્લૉગની ઑફર
જોઇને ઘણાં SPAM બ્લૉગ ચાલુ થઈ ગયા છે જે, મારા મતે, આ સાઈટનું ‘ગુજરાતીપણું’ ઓછું
કરવા સાથે, એની વેલ્યુ પણ ઘટાડી રહ્યા છે.
જેટલા લોકો કમ્પ્યુટર પર ગુજરાતી લખી-વાંચી શકે છે, તેઓ બીજાના બ્લૉગ ઉપર પોતાનો પ્રતિભાવ
આપતા કે પોતાના બ્લૉગ ઉપર માંગતા અચકાય છે. અને આ પ્રકારનું વર્તન ફક્ત આ સાઇટ પૂરતું
મર્યાદિત નથી. મેં જોયું છે કે બીજી ઘણી સાઈટ ઉપર પણ આપણી પ્રજા જગતની બીજી પ્રજાઓની
દ્રષ્ટિએ થોડી પાછળ પડે છે. હું કંઈ મનોવૈજ્ઞાનિક નથી એટલે આ વિષયમાં વધુ વિસ્તારથી ચર્ચા કરવાનો
અધિકાર ધરાવતો નથી, પણ પ્રાથમિક રીતે જે અવલોકન કરી શક્યો છુ તે ફક્ત જણાવું છું.
જ્યારે gujaratiblogs.com આપણને ગુજરાતીમાં આપણા વિચારોનું મુક્ત આદાન-પ્રદાન કરવા માટે
આટલી મહામુલી તક આપે છે, એ પણ મફતમાં, ત્યારે એનો લાભ ન ઉઠાવવો તે આપણી જ ભુલ કહેવાય.
તો ચાલો, ભાઈઓ અને બહેનો, મગજની અણી કાઢો અને કમ્પ્યુટરના સ્ક્રીન ઉપર અક્ષરો ટપકાવો જોઈએ
પરેશ
તા. ૨૭ ઓગષ્ટ, ૨૦૦૮
posted in Gujarati | 0 Comments




























Powered By